Shunya Palanpuri | શૂન્ય પાલનપુરી



અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌ (૧૯ ડિસેમ્બર ૧૯૨૨ - ૧૭ માર્ચ ૧૯૮૭) જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા


નામ

અલીખાન બલોચ


ઉપનામ

‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’


જન્મ

19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ  


અવસાન

17, માર્ચ –  1987;  પાલનપુર


માતા

નનીબીબી


પિતા

ઉસ્માનખાન


ભાઇ બહેન

ભાઇ – ફતેહખાન


લગ્ન

ઝુબેદા

સંતાનો

પુત્ર – તસમીન, ઝહીર ; પુત્રી– કમર, પરવેઝ


અભ્યાસ

1938- મેટ્રીક – પાલનપુર

1940– બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો


વ્યવસાય

1940- પાજોદ દરબાર– ‘રૂસવાના’ અંગત મંત્રી

1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક

1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ

પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન

1962– મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.


પ્રદાન

કવિતા સંગ્રહ – ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1

મુખ્ય કૃતિઓ


ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર

ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી

અનુવાદ – ખૈયામ


જીવન 

1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા

1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા

1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.

જીવન

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો.[૩] ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.[૪]


૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી 'રુસ્વા'ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ જેમણે 'શૂન્ય' ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું.[૧]


તેઓ પાલનપુરની "અમીરબાઈ મિડલ સ્કૂલ"માં શિક્ષક રહ્યા હતા.

માર્ચ ૧૭, ૧૯૮૭ ના રોજ પાલનપુર ખાતે તેમનું અવસાન થયું હતું.


સર્જન

તેમના સર્જનમાં ૬ ગઝલસંગ્રહો અને અનુવાદનો સમાવેશ થાય છે.[૩]


ગઝલસંગ્રહો

શૂન્યનું સર્જન (૧૯૫૨‌‌)

શન્યનું વિસર્જન (૧૯૫૬)

શૂન્યના અવશેષ (૧૯૬૪)

શૂન્યનું સ્મારક (૧૯૭૭)

શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)

શૂન્યનો વૈભવ (૧૯૯૨) (સંગ્રહ)


અનુવાદ

ખૈયામ અથવા રુબૈયાત


યાદગાર રચનાઓ

દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે?

ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?


શૈયા મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં!

ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?


લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં.

યુગ-યુગની ઓળખાણ હતી, કોણ માનશે?


કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,

નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે?


ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,

એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે?


દિલમાં કોઈના પ્યારની જ્વાળા લપાઈ છે,

ઓ કાળ! સાવધાન કે શિર પર તવાઈ છે !


મિત્રો હતા એ શત્રુ થવાની વધાઈ છે,

ઓ મન! ઉમંગે નાચ કે બેડી કપાઈ છે !


સસ્તામાં ઓ જમાના આ સોદો નહીં પતે,

મારું સ્વમાન મારી યુગોની કમાઈ છે !


હોડીનું ડૂબવું અને તોફાનનું શમન !

એ પણ ખુદાઈ ઢંગની એક નાખુદાઈ છે !


મારીને ઠેકડા અમે પ્હોંચીશું મંજિલે,

શક્તિ અગાધ છે, ભલે પાંખો કપાઈ છે !


છે કંટકોના ઝૂમખાં ફૂલોના સ્વાંગમાં,

ઉપવનમહીં વસંતની કેવી ઠગાઈ છે !


ખુદ કાળ એને ‘શૂન્ય’ ખસેડી નહીં શકે,

પ્રેમાંગણે હૃદયની જે ખાંભી રચાઈ છે !


થયાં છે લોક ભેગા કેમ ? આ શાની ખુશાલી છે ?

કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે ?


હવે ખુદ લાશ રઝળે છે થઇ મોહતાજ કોડીની,

કઝાએ પણ ખરેખર જિંદગીની ચાલ ચાલી છે.


ઘડીમાં દીપ સળગે છે ઘડીમાં ઓલવાયે છે

અમારી આ જવાની છે કે પાગલની દિવાલી છે ?


પતી જાય છે ઘરમેળે અમારે દાન અશ્રુનું,

હૃદય પોતે જ દાતા છે નયન પોતે સવાલી છે.


રડે છે કોણ એવું પોક મૂકી શૂન્યના શબ પર,

મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે.


જેને ખબર નથી કે સુરા શું ને જામ શું ?

એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?


સાકી જે મયકશીની અદબ રાખતા નથી,

પામી શકે એ તારી નજરનો મુકામ શું ?


અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો,

ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?


મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ,

જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?


પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દિવાની ફૂલોની

ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.


અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર

ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.


ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર

કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.


તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે

રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.


સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:

ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની


– શૂન્ય પાલનપૂરી


છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી;

મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.


બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;

કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.


તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?

દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.


થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –

ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !


એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-

બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.


પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-

પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.


જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –

શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.


– શૂન્ય પાલનપૂરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,

એવું દરદ ન આપ કે જેની દવા મળે.


સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,

દુનિયામાં ભૂલથી જો કોઈ બેવફા મળે.


ઝંઝા સામે ગયો તે ગયો, કૈં પતો નથી,

દેજો અમારી યાદ અગર નાખુદા મળે.


સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,

સાચો અદલ તો એ જ કે એને સજા મળે.


કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,

એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.


રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,

સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.


– શૂન્ય પાલનપૂરી


પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.


સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.


મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,

ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,

મને જ્યારથી તારલા ઓળખે છે.


અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,

મળી છે અમોને જગા મોતીઓમાં,

તમોને ફક્ત બદબુદા ઓળખે છે.


તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારો,

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.


દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,

છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,

દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.


– શૂન્ય પાલનપૂરી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો