આદિલ મન્સૂરી | Adil Mansuri | gujarati gazal book |


આદિલ મન્સૂરી | Adil Mansuri | gujarati gazal book | 



ટૂંક પરિચય
જન્મ
ફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી
૧૮ મે ૧૯૩૬
અમદાવાદ, ગુજરાત
મૃત્યુ ૬ નવેમ્બર ૨૦૦૮
ન્યૂ જર્સી, યુનાઇટેડ સ્ટેટ્સ
ઉપનામ આદિલ મન્સુરી
વ્યવસાય કવિ, નાટ્યલેખક, કલાકાર
રાષ્ટ્રીયતા ભારતીય
લેખન પ્રકાર ગઝલ
નોંધપાત્ર પુરસ્કારો વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, કલાપી પુરસ્કાર

    ફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી, ‘આદિલ’ (હિંદી: आदिल मन्सूरी, ઉર્દુ: عادِل مَنصوُریِ‎) (૧૮ મે ૧૯૩૬ - ૬ નવેમ્બર ૨૦૦૮) ગઝલકાર, કવિ, નાટ્યકાર હતા. મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.

જીવન
તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને પછી ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો.

તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાચી જવાનો નિર્ણય લીધો. ૮ વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવ્યા પછી તેમણે ગુજરાતી ભાષામાં લખાણો, કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી.

આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર ૬ નવેમ્બર ૨૦૦૮ ના દિવસે ન્યૂજર્સીમાં અવસાન થયું હતું

સર્જન

તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી હતા. ‘વળાંક’ (૧૯૬૩), ‘પગરવ’ (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહો છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી તેમ જ પોતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવો શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પોતાના કથનાર્થે તેમ જ કોઈ રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.


ગઝલના રચનાકસબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલો રચી છે. ‘પગરવ/સંભવ/પાલવ’ તથા ‘મૂંગો/ભડકો/લહિયો’ જેવા કાફિયામાં અને ‘વરસાદમાં’, ‘સૂર્યમાં’, ‘ભીંડીબજારમાં’ તથા ‘અ’, ‘પરંતુ’ જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દોના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે ન મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે.


‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) એમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘જે નથી તે’ (૧૯૭૩) એમનો બીજો એકાંકીસંગ્રહ છે.[૪]


વળાંક (૧૯૬૩)

પગરવ (૧૯૬૬)

સતત (૧૯૭૦)

હાથ પગ બંધાયેલા છે (૧૯૭૦)

જે નથી તે (૧૯૭૩)

આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ હતા[૧] અને કેલીગ્રાફીમાં નિપુણ હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું.


પુરસ્કારો

૧૯૯૮માં તેમને કલાપી પુરસ્કાર અર્પણ થયો હતો. ૨૦૦૮માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.


આદિલ મન્સૂરી અને જલન માતરીને વલી ગુજરાતી  એવોર્ડ

   ઉર્દૂના આદ્ય કવિઓમાંના એક અને અમદાવદમાં જીવન ગુજારનાર અને શાહીબાગ પાસે અંતિમ વિસામો પામનાર કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાન ને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે.

          સન 2007ના એવોર્ડ માટે અમદાવાદ સ્થિત ગઝલકાર જલન માતરી અને સન 2008ના એવોર્ડ માટે ન્યુ જર્સી(અમેરિકા) સ્થિત આદિલ મન્સૂરીની પસંદગી જાહેર કરતાં સાંસ્કૃતિક મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આ દ્વારા ગુજરાત સરકાર ઉર્દૂ_ગુજરાતી ભાષા સાહિત્યની કદર કરી,પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે.

            ન્યુ જર્સીથી કવિ આદિલ મન્સૂરીના આગમને ,18મી મે ,2008 ને રવિવારે સાંજે ભાઈ કાકા હૉલ,અમદાવાદમાં યોજાનાર ભવ્ય સમારંભમાં બન્ને ગઝલકારોને આ એવૉર્ડની ની અર્પણવિધિનું આયોજન કરાયું છે.

       આ પહેલાં આ એવોર્ડ 104 વર્ષીય બુઝુર્ગ શાયર શ્રી આસિમ રાંદેરી અને શ્રી રતિલાલ અનિલને અર્પણ કરાયા છે.તે બન્ને શાયરો સુરતનાં હતા.અને આ બન્ને શાયરો અમદાવાદનાં છે.

        એવોર્ડ અને યોજાનાર સમારંભની જાહેરાતથી ગુજરાતી ગઝલનાં વાતાવરણમાં હલચલ વર્તાઈ રહી છે.


(‘બઝમે વફા’તેમજ ‘બાગે વફા’ગુજરાતી,ઉર્દૂ_હિન્દી જનાબ આદિલ મન્સૂરી સાહેબ અને જનાબ જલન માતરી સાહેબને આ એવૉર્ડની ખૂશીમાં સહભાગી થઇ મુબારકબાદી અર્પેછે.અને અલ્લાહ જલ્લેશાનથી દીર્ઘાયુ અને તંદરુસ્તીની દુઆ ગુજારે છે.)



યાદગાર રચનાઓ

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,

આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,

રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,

મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”

તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

– આદિલ મન્સુરી


પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.


ચોકમાં આવીને મળવાનું કહો. લાગણીઓને પલળવાનું કહો.


 દર્પણોમાંથી નીકળવાનું કહો, આ પ્રતિબિંબોને છળવાનું કહો.


લો સપાટી પર બરફ જામી રહ્યો, આ સમુદ્રોને ઉકળવાનું કહો.


 સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે, હા કહો, સૂરજને ઢળવાનું કહો.


ભાર ઝાકળનો કળીની પાંપણે, પથ્થરોને પણ પલળવાનું કહો.


 પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની, આ અમાસોને પ્રજળવાનું કહો.


મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે, જે અકળ છે એને કળવાનું કહો.

 – આદિલ મન્સુરી

કશુંય   કહેવું   નથી   સૂર્ય  કે સવાર વિષે,

તમે   કહો   તો   કરું  વાત  અંધકાર વિષે.


ન   કોઈ   ડાળે   રહસ્યોનાં  પાંદડા  ફૂટ્યા,

કળીના  હોઠ ઊઘડતા  નથી   બહાર  વિષે.


સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,

ને  વાત ચાલી  હતી  તારા ઈંતેઝાર વિષે.


બિચારો  દર્દી   કશું બોલતો  નથી ને છતાં,

તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.


હજીયે  તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ’,

હજીયે   લોહી  ટપકતું  કલમની  ધાર વિષે.


– આદિલ મન્સુરી


પાંપણોને સહેજ ઢળવાનું કહો.

સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.


ચોકમાં આવીને મળવાનું કહો

લાગણીઓને પલળવાનું કહો.


દર્પણોમાંથી નીકળવાનું કહો

આ પ્રતિબિંબોને છળવાનું કહો.


લો સપાટી પર બરફ જામી રહ્યો

આ સમુદ્રોને ઉકળવાનું કહો.


સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે

હા કહો, સૂરજને ઢળવાનું કહો.


ભાર ઝાકળનો કળીની પાંપણે

પથ્થરોને પણ પલળવાનું કહો.


ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની

આ પવનને પાછા વળવાનું કહો.


પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની

આ અમાસોને પ્રજળવાનું કહો.


મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે

જે અકળ છે એને કળવાનું કહો.


– આદિલ મન્સુરી


માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.


વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.

સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.


જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું

ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.


રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો

મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો


એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.

મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.


ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને

એને નમન જે પાયાનો પથ્થર બની ગયો


છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,

મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.


‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:

ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.


– આદિલ મન્સૂરી


નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.


ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.


પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.


વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે


– ‘આદિલ’ મન્સૂરી


દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,

ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.


એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,

ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.


ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,

ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.


વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,

‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.


-‘આદિલ’


કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,

આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.


મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,

રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.


આપને એ યાદ આવે તો મને યાદ આપજો,

મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.


કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”

તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા


– આદિલ મન્સુરી


આપનું મુખ જોઇ મનમાં થાય છે,

ચાંદ પર લોકો અમસ્તા જાય છે.


જાગવાનું મન ઘણુંયે થાય છે.

આંખ ખોલું છું તો સપનાં જાય છે.


આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,

આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?


આપ શું સમજો હૃદયની વાતમાં,

આપને ક્યાં દર્દ જેવું થાય છે?


લાખ કાંટાઓ મથે સંતાડવા

તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?


દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,

ભાગ્યમાં જે હોય છે તે થાય છે.


– ‘આદિલ’ મન્સૂરી


લોહીની નદીઓ વહે છે રોકો

રોજ નિર્દોષ મરે છે રોકો


આગને કોણ સળગતી રાખે

શહેરનાં શે’ર બળે છે રોકો


ક્યાં સુધી ચાઅશે અંધાધૂંધી

પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો


ન્યાય ને રક્ષા કરી જે ન શકે

ભાષણો કેમ કરે છે રોકો


શબની પેટીથી મતોની પેટી

કોઈ સરખાવ્યા કરે છે રોકો


છે ઈમારત પડું પડું ‘આદિલ’

મૂળ આધાર ખસે છે રોકો


-આદિલ મનસુરી


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.


ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.


ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.


‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


-આદિલ મનસુરી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો