બરકતઅલી ગુલામહુસેન વિરાણી, જેઓ તેમના ઉપનામ બેફામ, થી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે.
નામ : બરકત ગુલામહુસેન વિરાણી
જન્મ : 25- નવેમ્બર – 1925 ; ધાંધળી (શિહોર) ; વતન – ભાવનગર
અવસાન : 2 – જાન્યુઆરી, 1994 ; મુંબાઇ
અભ્યાસ
પ્રાથમિક અને માધ્યમિક – ભાવનગર
બરકત વીરાણી ‘બેફામ’ – સાહેબના થોડા શેર
દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એજ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે.
@
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.
@
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ!તારી જેમ આ દુનિયા ગમી નહોતી.
@
તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.
@
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
@
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
@
જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.
@
પહેલી નજરનો પ્રેમ કહાની બની ગયો,
એથી વધારે કાંઇ મળી નહિ વિગત મને…
@
કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?
@
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
@
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું
@
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
@
અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું
એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.
@
મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે
પ્રણયને હું નિભાવું છું હવે વહેવાર સમજી ને
@
હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
@
ન એકલતા ગઈ તો પણ અમારી એકબીજાની,
મેં માની જોયું કે મારો ખુદા છે, હું ખુદાનો છું.
@
“બેફામ” ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.
@
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
@
કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
@
બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
@
હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.
@
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.
@
કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને
આવ્યો છું.
@
જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત
બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર
મારી.
@
એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.
@
જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.
@
સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.
@
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.
@
બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.
@
મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.
@
જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.
@
જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.
@
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.
@
કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
@
ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.
@
કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.
@
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય
તમને ?
@
કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.
@
વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.
@
આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
@
બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.
@
વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.
@
મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.
@
નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.
@
એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.
@
મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.
– બેફામ
જીવન ઝરમર
છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો
ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી
કિસ્મત કુરેશીની પ્રેરણા; ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા ; છેવટે ‘બેફામ’ બન્યા
સંસ્કૃત અને અરબી પિંગળ તેમની પાસેથી શીખ્યા
ભાવનગરમાં પહેલી વાર મુશાયરામાં ભાગ લીધો
ખૂબ ભણી ડીગ્રીઓ મેળવી પ્રોફેસર થવાની અભિલાષા
1942 – ની ચળવળમાં મેટ્રીકમાં હતા ત્યારે ભાગ લીધો અને શિક્ષણને તિલાંજલિ આપી.
1945 – ‘શયદા’ ના કહેવાથી મુંબાઇ આવ્યા
એક વર્ષ બાદ ‘મરીઝ’ ના આશિષ મળ્યા
એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારી ના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીઓ સ્ટેશન પર નોકરી અપાવી
ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
1952 – શયદાની મોટી દીકરી રૂકૈયા ( મુકદ્દરા ) સાથે લગ્ન
મુશાયરાઓમાં મોહક તરન્નુમમાં લાક્ષણિક રજુઆત કરતા
મક્તામાં ‘મરણ’ એ તેમની વિશેષતા
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.
કાવ્ય સંગ્રહો –
માનસર,
ઘટા,
પ્યાસ,
પરબ
સર્જન
તેઓ એ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા. ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા. આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.
બેફામની યાદગાર રચનાઓ
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
- બરકત વિરાણી
અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.
છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.
જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.
ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.
ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?
- બેફામ
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.
એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.
લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.
ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.
હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.
આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.
‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.
- બેફામ
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
- બેફામ
બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.
માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.
આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’
કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું એમે.
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.
આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે.
તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.
કાં મળે સૌ કાંઈ અમને, કાં મળે ના કાંઈ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.
એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઈ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.
છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.
ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’
જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.
બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.
– ‘બેફામ’ બરકત વિરાણી
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
-બરકત વિરાણી ‘બેફામ’
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.
હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.
ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.
હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.
સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
– બરકત વિરાણી ‘બેફામ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો