નવલરામ પંડ્યા | Navalram Pandya



 

નામ

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

જન્મ

માર્ચ – 9, 1836 – સૂરત

અવસાન

ઓગષ્ટ – 7, 1888

અભ્યાસ

  • મેટ્રીક્યુલેશન

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • તંત્રી: ગુજરાત શાળાપત્ર(1870 થી)
  • નર્મદના સમકાલીન વિદ્વાન, નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદ હોવા છતાં અમુક બાબતમાં નર્મદના પ્રશંસક

મુખ્ય રચનાઓ

  • નાટક: ભટ્ટનું ભોપાળું; વીરમતી
  • ભાષાંતર: મેઘદૂત
  • સંપાદન: પ્રેમાનંદકૃત ‘કુંવરભાઇનું મામેરું’
  • પદ્ય: બાળલગ્નબત્રીશી; બાળગરબાવળી
  • ભાષા-સાહિત્ય: વ્યુત્પત્તિપાઠ; નિબંધરીતિ; અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ
  • ઇતિહાસ: ઇગ્રેજ લોકોના સંક્ષિપ્ત ઇતિહાસ
  • જીવનચરિત્ર: કવિજીવન
  • સમગ્ર સાહિત્ય –  નવલગ્રંથાવલિ-સં.ગોવર્ધનરામ ત્રિપાઠી; ગ્રંથ-1: નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો; ગ્રંથ-2: ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા; ગ્રંથ-3: શાળાપયોગી, શિક્ષણવિષયક લેખો; ગ્રંથ-4: સામાન્ય જ્ઞાનના વિષયો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન


જીવન

તેમનો જન્મ સુરતમાં થયો હતો. ૧૮૫૩માં તેમણે મેટ્રિક ઉત્તિર્ણ કર્યું અને ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન બન્યા. પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ ન કરી શક્યા. તેઓ ૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક રહ્યા હતા. ૧૮૭૦ થી અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ અને ૧૮૭૬ થી રાજકોટની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ રહ્યા.તેઓ ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી અને બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી હતા.


એમણે મહારાજ લાયબલ કેસ વિશે અઢીસો પૃષ્ઠોની ઈનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું.[૨] ‘કરણઘેલો’ વિશે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા. ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉકટર’ ઉપરથી સૂચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું’ (૧૮૬૭) લખ્યું, જે આનંદલક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું.


રાસમાળામાંથી વસ્તુ લઈને એમણે રચેલું નાટક ‘વીરમતી’ (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે. ‘અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’ (‘ગુજરાત શાળા પત્ર’માં હપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમણે બુદ્ધિતર્કયુક્ત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્ત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. ‘બાળલગ્નબત્રીશી’ (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તો ‘બાળગરબાવાળી’ (૧૮૭૭)માં નારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનંા સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત’ (૧૮૭૦)માં એમણે ભાષાંતરકલાનો આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે ચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે નવો સંયોજેલો માત્રામેળ ‘મેઘછંદ’ મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. ‘કવિજીવન’ (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શોધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. તત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારસંક્રાતિમાં પણ સ્વસ્થ ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.


એમણે સંપાદક તરીકે ‘ગુજરાત શાળા પત્ર’ ના ધોરણને સુધાર્યું અને પત્રકારત્વનો ઊંચો આદર્શ સ્થાપ્યો. તેમાં એમણે શિક્ષણવિષયક અને શિક્ષણને ઉપકારક જ્ઞાનના વિષયો ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, ભાષા આદિ વિશે લેખો લખ્યા અને લખાવ્યા. એમાં એમનો વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ સ્પષ્ટ થાય છે. એમના શિક્ષણવિષયક લેખો એમને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે અને ભાષા-વ્યાકરણ વિષયક લેખો સારા ભાષાવિદ તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. ગુજરાતી જોડણીની અનિયંત્રિતતા નિવારવા એમણે તૈયાર કરેલા નિયમો એ એમનું એ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન છે.


એમનું વિવેચન કાવ્યતત્વવિચારણા , કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વવયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી. એમનો નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે ‘મોહન, બોધન અને શોધન’ એ ત્રણે પ્રકારના ગ્રંથોના અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચનો કરી વિવેચનનો ઊંચો આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથનો પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથનો તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને પ્રોત્સાહન-એ એમનો વિવેચક તરીકેનો અભિગમ છે.


સર્જન

એમણે ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૮૮૦-૧૮૮૭) ‘ગુજરાત શાળા પત્ર’માં હપ્તાવાર લખ્યો હતો, જેનું ગ્રંથસ્થ સંપાદન (૧૯૨૪) બળવંતરાય ઠાકોરે કર્યું છે. એમણે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે. એમના સમગ્ર સાહિત્યનું સંકલન કરીને ગોવર્ધનરામે ‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે, જેના ગ્રંથ ૧માં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ ૨માં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા, ગ્રંથ ૩માં શાળોપયોગી અને શિક્ષણવિષયક લેખો તથા ગ્રંથ ૪માં પ્રકીર્ણ લેખો એમ ચાર વિભાગો છે. આ પછી હીરાલાલ શ્રોંફે ‘નવલગ્રંથાવલિ’ની શાળોપયોગી આવૃત્તિ (૧૯૧૧) અને નરહરિ પરીખે તારણરૂપ ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭) નામે સંપાદનો કર્યાં છે.


ભટનું ભોપાળું (૧૮૬૭) ફ્રેન્ચ પ્રહસનકાર મૉલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મૉક ડૉકટર’નું નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાસ અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટ્યાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક હોવાનો ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે.


વીરમતી (૧૮૬૯) નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત ઐતિહાસિક નાટક. ફાર્બસ-રચિત ‘રાસમાળા’ (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર નીચે, મુખ્યત્વે જગદેવની શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રત ને શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટ્યાત્મક અંશો નાટ્યસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તારને લીધે નાટકની સુગ્રથિતતાને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના મનોભાવોને વ્યક્ત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ, વિશેષે કરુણ શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળુ ભાષા બહુધા સંયોજન વિનાની અને કુત્રિમ લાગે છે.


બાળ ગરબાવળી (૧૮૭૭) નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત સ્ત્રીકેળવણીના ઉદ્દેશથી રચાયેલી કાવ્યકૃતિઓનો સંગ્રહ. એમાં બાળાઓના વયવિકાસને અનુલક્ષીને વિષયનિરૂપણની યોજના થયેલી છે. સ્ત્રીજીવનના, ભણતરથી માંડીને માતૃત્વ સુધીના કાળનું આલેખન સંગ્રહનાં કાવ્યોમાં થયું છે. કવિનું વલણ માટે ભાગે સંસારસુધારાનું રહ્યું છે. અપ્રસ્તુતપ્રશંસા દ્વારા બાળલગ્નની સાદ્યંત હાંસી ઉડાવતું ‘જનાવરની જાન’ અન્યોક્તિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે.


નવલગ્રંથાવલિ (૧૮૯૧) નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.


પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન બત્રીસી’, ‘કાવ્યાચાતુર્યની રચના’ ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’ નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકો વર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહંદશે એ નિમિત્તે એમની કાવ્યતત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ, દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે.


સાહિત્યમાં

વિજયરાય વૈદ્યે નવલરામનું જીવનચરિત્ર શુક્રતારક (૧૯૪૪) માં આલેખ્યું છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો