અસાઈત ઠાકર | Asait Thakar


 

ગુજરાતી લોકનાટય ભવાઈના જનક અસાઈત ઠાકર

ઉત્તર ગુજરાતના લોકો સારા-નરસા પ્રસંગે ભવાઈ ખેલ રમાડવાની માનતા માને છે અને મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે


આપણાં દેશના અનેક પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લોકનાટયો એ જે તે રાજ્યોની આગવી ઓળખ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં 'તમાશા', 'દશાવતાર', મધ્યપ્રદેશમાં 'માચ', ઉત્તરપ્રદેશમાં 'નવટંકી', કર્ણાટકમાં 'યક્ષગાન' તો ગુજરાતમાં ભવાઈ એ તેનું વિશિષ્ટ લોકનાટય છે.


ભવાઈ એ ભૂમિજાત સ્વયં સ્ફૂરિત કળા છે. ગ્રામજનોના ઉર્મિ અને આનંદનો એમાં આવિષ્કાર થયો છે. લોકોના આંતરિક ભાવોની સાહજિક અભિવ્યક્તિ સાથે તેનું સર્જન થયું છે અને એટલે જ તો આપણે તેને લોકકલા કે લોકનાટય સ્વરૃપે  ઓળખીએ છીએ.


ભવાઈ સ્વરૃપ અને તેના વેશોના જનક, આદ્ય કે પિતા એવા અસાઈત ઠાકરનો જન્મ આનર્તની કળાનગરી એવા સિધ્ધપુર નગરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પોતાના સમયની સામાજિક, રાજકીય પરિસ્થિતિ કે પોતાને થયેલા અન્યાયના પ્રતિભાવ રૃપે ભવાઈના અનેક વેશોનું સર્જન કરીને આ લોકનાટયને ઘણું મોટું પ્રદાન કર્યું છે. જો કે, આ લોકનાટય ભવાઈની ઉત્પત્તિ પાછળ એક લોકવાયકા પ્રચલિત હોવાનું મનાય છે.


અનુશ્રુતિ મુજબ ચૌદમી સદીમાં હિન્દુસ્તાનમાં અલ્લાઉદ્દીન ખિલજીના રાજ્યકાળમાં જ્હોન રોઝા નામનો અંગ્રેજ સરદાર દિલ્હીથી કન્નૌજ ઉપર ચડાઇ કરીને ગુજરાત ઉપર ચડી આવ્યો. ઉંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાના સૌંદર્યની પ્રશંસા સાંભળીને તેણે ઉંઝા ગામના પાદરે પોતાનો પડાવ નાંખ્યો. પોતાની સખીઓ સાથે ગામના કૂવે પાણી ભરવા નીકળેલી દીકરી ગંગાને સિપાહીઓ સરદારના આદેશ મુજબ અપહરણ કરીને છાવણીમાં લઇ ગયા.


હેમાળા પટેલ આ ઘટનાથી દુખી થઇને પોતાના ગુરૃ સમા યજમાન અને ભલાઈના જનક એવા અસાઈત ઠાકરને પોતાની દીકરી ગંગાને બચાવી લેવાની વિનંતિ કરવા આવ્યા. અસાઈત ઠાકર યજુર્વેદી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. તેથી તેઓ ગાયન-વાદન સાથે કથા કરીને આસપાસના ગામોમાં વિદ્વાન કથાકાર રૃપે ખ્યાતિ ધરાવતા. અસાઈત અને હેમાળા પટેલ વચ્ચે ગુરૃ - યજમાનનો સંબંધ હતો.


અસાઈતના કાને દીકરી ગંગાના અપહરણની વાત આવતાં તેમણે અંગ્રેજ સરદારને પોતાની સંગીતકળાથી ગાઈ-વગાડીને રીઝવીને પોતાની પુત્રી ગણાવીને છોડાવી લાવવાનો વિચાર કર્યો. સંગીતની મહેફિલમાં પ્રસન્ન થયા પછી સરદારે અસાઈતને કંઇક માંગવા કહ્યું. અસાઈતે તેના બદલામાં દીકરી ગંગાને મુક્ત કરવા જણાવ્યું.


સરદારે પૂછ્યું કે આ તમારી દીકરી છે ? તો અસાઈતે હા પાડી. સરદારને ગંગા બ્રાહ્મણની પુત્રી હોવા વિશે શંકા ગઇ એટલે તેણે વિચાર્યું કે, બંનેને એક જ થાળીમાં ભોજન કરી દીકરી હોવાનું પ્રમાણ આપવા જણાવ્યું. જો પોતાની જ દીકરી હશે તો સાથે જમશે અને નહીં હોય તો અસ્પૃશ્ય થઇ જવાના ભયથી જમવાની ના પાડશે.


તેથી તેણે અસાઈતને દીકરી ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લેવાનો આદેશ કર્યો. પરન્તુ અસાઈત તો જ્ઞાાતિ - જાતિના ભેદભાવોથી પર હતા એટલે તેમણે વિચાર્યું કે મિત્ર - યજમાનની પુત્રીને બચાવવા જતાં બ્રાહ્મણત્વ ભ્રષ્ટ થવાનું નથી. પરિણામે ભર્યા દરબારમાં તેમણે ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લઇને દીકરી ગંગાને મુક્ત કરાવીને પાછા ફર્યા.


આ ઘટનાથી રોષે ભરાયેલા સિધ્ધપુરના ચૂસ્ત બ્રાહ્મણોએ અસાઈતને અસ્પૃશ્ય ગણાવી, તેની સજારૃપે તેમને જ્ઞાાતિબહાર મૂક્યા.


આથી અપમાનિત થયેલા અસાઈતે સિધ્ધપુરથી સ્થળાંતર કરીને પોતાના ત્રણ પુત્રો નારણ, માંડણ અને જયરાજ સાથે ઉંઝા નગરમાં આવીને વસ્યા. ત્રણ પુત્રોના ઘર ઉપરથી તેઓ 'ત્રિઘરાં' કહેવાયા. એનો અપભ્રંશ થતાં તેઓ 'ત્રગાળા' કે 'તરગાળા' રૃપે ઓળખાયા. આજે પણ ભવાઇનો ખેલ રમનારા તૂરી, બારોટ કલાકારો 'તરગાળા' રૃપે જ ઓળખાય છે. હેમાળા પટેલે તેઓના સન્માન રૃપે ત્રણેય પુત્રોને ઉંઝામાં પોતાના ખર્ચે મકાન બાંધી આપ્યાં.


જમીન આપી અને કડવા પાટીદાર જ્ઞાાતિએ તામ્રપત્ર ઉપર વંશપરંપરાગત અમુક હકો લખી આપ્યાં. ઉંઝામાં સ્થાયી થયા બાદ અસાઈત અને તેના ત્રણ પુત્રોએ પોતાને થયેલા આ અન્યાય સામે જેહાદ ઉપાડી અને અસ્પૃશ્યતા, અંધશ્રધ્ધા, જાતિવાદ જેવા દૂષણોને આધારે ત્રણસો ને સાઇઠ જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે - ગામડે જાગૃતિ માટે ભવાઈ વેશ રૃપે ભજવ્યા.


વિશેષ તો ભવાઈ સમાજના સામાન્યજનની વચ્ચે સર્જાતો - ભજાતો નાટયપ્રકાર હોવાથી સમાજને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો એમાં વણી લઇને સમાજ જાગૃતિનું કામ થાય છે.


આજે પણ ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માને છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે. વાળુ પાણી પછી રાત્રીના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચારની પૂજા થાય છે


''ચાચર જહાં જાતર ભલી, જ્યોત તણી ઝગમગ

ઘણાં ગુણીજન રમી ગયા તેના પગની રજ''


ચાચરમાં ગણેશજીના આગમન પછી આખી રાત ભવાઈનો ખેલ રમાય. જો કે આજના સમયમાં કેટલાક સુગાળવા લોકો ભવાઈને અશ્લીલ હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ માત્ર ગલગલિયાં કરાવતાં આજના નાટકો કે ફિલ્મો કરતાં તો ભવાઈનું સ્થાન સો ગણું ઊંચુ હતું અને છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.





ભવાઇ

ભવાઇ ‌‍(અન્ય નામ: વેશ અથવા સ્વાંગ )એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.



અનુક્રમણિકા

વ્યુત્પતિ

રીતભાત

ઈતિહાસ

છબીઓ

સંદર્ભ

વ્યુત્પતિ

‘ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા. અહીં તેને જગતની માતા એટલે કે જગદંબા ગણી છે. ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. આજે પણ અંબાજી ખાતે દર નવરાત્રીએ ભવાઇ દ્વારા મા અંબાની પૂજા કરવામાં આવે છે.


રીતભાત

ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે જેમાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે છે. તેમાં પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી અને સ્‍થાનિક કથાવસ્‍તુ પર ધ્યાન આપવામાં આવે છે. ભવાઇમાં મુખ્યત્વે ભૂંગળ, તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગી વગેરે વાજીંત્રો વપરાય છે. ભવાઇ મોટે ભાગે ખુલ્‍લા મેદાનમાં અથવા નાના ચોક જેવી જાહેર જગ્યાએ ભજવવામાં આવે છે.


ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને ‘નાયક’ તરીકે ઓળખવામાં આવે છે. તે નાટકની જરૂરીયાત મુજબ સંવાદો, સંગીત અને વેશભૂષા માટે નિર્દેશન આપે છે. ભવાઇના સંવાદો પહેલાથી નક્કી નથી હોતા પણ કલાકારો પ્રસંગ મુજબ જાતે જ સંવાદો બોલે છે અને સાથે સાથે નૃત્‍યમય શૈલીમાં અભિનય પણ કરે છે. ભવાઇના મુખ્‍ય પાત્રને ‘રંગલો’ કહેવામાં આવે છે.


અન્‍યાય, સ્‍ત્રીનો દરજ્જો, સામાજીક અસમાનતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવી સામાજિક અને અન્ય બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવા પણ ભવાઇનો ઉપયોગ કરાય છે.


મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચર (શેરી કે ખુલ્‍લી જગ્‍યા) માં આવે છે : નાયક, નાયિકા અને મશ્‍કરો. મશ્‍કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. ‘કાનગોપી’ ના વેશમાં સુખાજી, ‘ઝંડા ઝૂલણ’ માં અડવો અને ‘જસમા-ઓડણ’માં રંગલો વગેરે. ભવાઇના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે. ‘ઝંડા ઝૂલણ’માં તરવરાટવાળી તેજી વાણિયણનાં લગ્‍ન એક વૃદ્ઘ સાથે થાય છે, તે ઊંઝાના યુવાન મુસ્લિમ સૂબાના પ્રેમમાં પડે છે. આ ઉપરાંત ‘મિયાંબીબી’, ‘મણિયાર’,‘જૂઠણ’ અને ‘છેલબટાઉ’ જેવા વેશોમાં પણ મુસ્લિમોની અસર છે. નાનાં હિદું રજવાડાંના ઠાકોરો વિશેના વેશોમાં ‘રાજા દેઘણ’, ‘વીકો સિસોદિયો’, ‘રાજદેવ’, ‘મણીબા સતી’ વગેરે મુખ્‍ય છે. ધાર્મિક વેશોમાં ‘કાન-ગોપી’, ‘કાળકા’, ‘પતાઇ રાવળ’, ‘ગણપતિ’ વગેરે મુખ્‍ય છે. કંસારો, સરાણિયો, અડવો, વાળંદ વગેરે કોમોની ખાસિયતો, ધંધો, બોલી, રીતરિવાજો અને સામાજિક દૂષણો ઉઘાડા પાડતા વેશો ‘કજોડાનો વેશ’ , ‘બાવાનો વેશ’ વગેરે છે. મોટા રાજવીને લગતા વેશોમાં ‘સઘરા જેસંગ’ અને ‘જસમા-ઓડણ’ જાણીતા છે.


સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્‍ન વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં. આ ભવૈયાઓને સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જયારે ગામમાં પ્રવેશતાં ત્‍યારે લોકો ઢોલ-નગારાં સાથે તેમનું સામૈયું કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઇ લોકજીવનના તાણા-વાણા સાથે વણાઇ ગઇ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે વિહરતી હતી. શાસ્‍ત્રકારોએ ભવાઇને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.


ઈતિહાસ

ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.[૫] ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે.


અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્‍યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્‍ચેના સંવાદોને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો હોય છે.


લોકકથા

૧૪મી સદીમાં ઊંઝાના એક નાયક (મુખી) હેમા પટેલની પુત્રી ગંગાનું એક મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરાયું હતું. તેમનાં પરિવારનાં બ્રાહ્મણ પુરોહિત અસાઈત ઠાકર સુબેદાર પાસે જાય છે અને ગંગા એ તેની પુત્રી છે એવો દાવો કરે છે. આ બાબતને સાબિત કરવા માટે સુબેદાર એમને ગંગા સાથે જમવા કહે છે. એ દિવસોના બ્રાહ્મણ નીચી જાતનાં લોકો સાથે જમતા ન હતાં. તેઓ તેણીને બચાવવા માટે તેની સાથે જમ્યા પણ પરિણામે તેમને બ્રાહ્મણો દ્વારા નાત બહાર મુકવામાં આવ્યા. તેમણે પોતાના જીવન નિર્વાહ માટે નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ બધાં નાટકના વિશિષ્ટ સ્વરૂપમાં ઉન્નતિકરણ પામ્યાં જેને ભવાઈ કહે છે. આભાર વ્યક્ત કરવા સિવાય હેમા પટેલે એમને જમીનનો એક ટુકડો આપ્યો અને નાણાકીય સહાય પણ કરી જે ભવૈયાઓ (ભવાઈ ભજવનાર કલાકારો)નું આશ્રય સ્થાન બન્યું. એવું માનવામાં આવે છે કે અસાઈત ઠાકર દ્વારા ૩૬૦ ભવાઈ લખવામાં આવી હતી પણ વર્તમાનમાં માત્ર ૬૦ જ પ્રાપ્ય છે. તે પૈકીનાં એક નાટકમાં તેમને પોતાની કૃતિને ઇસ ૧૩૬૦ની દર્શાવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો